LAC પર તંગદીલી વધી, ચીને લદાખ સરહદે તૈનાત કર્યા 50 હજાર જવાનો, જાણો ભારતની તૈયારી અંગે

LAC પર તંગદીલી વધી, ચીને લદાખ સરહદે તૈનાત કર્યા 50 હજાર જવાનો, જાણો ભારતની તૈયારી અંગે

નવી દિલ્હી, 3 જુલાઇ, 2021 શનિવાર 

પૂર્વ લદ્દાખમાં એક્ચ્યુઅલ કંટ્રોલ લાઇન (LAC) પર ચાલી રહેલી તંગદીલીનાં નિવારણ માટે ભારત અને ચીન વચ્ચે અનેક સ્તરે વાતચીત ચાલી રહી છે, પરંતુ બીજી તરફ, એવા સમાચાર છે કે બીજિંગે સરહદ પર સૈનિકોની સંખ્યામાં ઘણો વધારો કર્યો છે. ચીનની આ કાર્યવાહીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતે પણ સરહદ પર 50 હજાર જવાને તૈનાત કર્યા છે. ભારત અને ચીન બંને તરફથી LAC પર સૈન્યની આટલા મોટા પ્રમાણમાં તૈનાતી એક મોટા સૈન્ય સંકટ તરીકે જોવામાં આવી રહી છે.

વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ ગયા વર્ષે ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ ચીને ત્યાં તૈનાત સૈનિકોની સંખ્યા કરતાં 15,000 વધુ સૈનિકોને સરહદ પર મોકલ્યા છે. રિપોર્ટમાં, ગુપ્તચર અને સૈન્ય અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં, ચાઇનાની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ ચાલુ વાટાઘાટો વચ્ચે પૂર્વી લદ્દાખના તંગદીલીવાળા વિસ્તારની આસપાસ સૈનિકોની સંખ્યા વધારીને 50,000 થી વધુ કરી દીધી છે. જે ભારત માટે ચોક્કસપણે ચિંતાનો વિષય છે. તો વળી સરહદ વિવાદને હલ કરવાનાં ચીનનાં ઇરાદા પર પણ સવાલો ઉભા કરે છે.

લદ્દાખમાં LACની સાથે ચીનનો સામનો કરવા ભારતે વધારાની સ્ટ્રાઈક કોર્પ્સ તૈનાત કરી છે. મથુરાની વન સ્ટ્રાઈક કોર્પ્સને લદ્દાખની ઉત્તર સરહદ પર મોકલવામાં આવી છે. 17 માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સને વધારાના 10,000 સૈનિકો પૂરા પાડવામાં આવ્યા છે અને તેમને સમગ્ર ઉત્તર-પૂર્વી રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. એરફોર્સે પણ તેના સ્તરે કામ શરૂ કર્યું છે. રફાલની સાથે, મિગ-29 અને સૂ-30 વિમાનોની ટુકડી ઉત્તરીય સરહદોના ક્ષેત્રમાં સક્રિય રહેશે. ઓપરેશન માટે રફાલનું બીજું સ્ક્વોડ્રોન પણ તૈનાત કરી શકાય છે.

રફાલની સાથે ટી-90 ભીષ્મ ટેન્ક, પિનાકા રોકેટ, અપાચે, ચિનૂક જેવા લડાકુ વિમાનો પણ સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે. સેનાએ LAC પર પહેલીવાર કે-9 તોપો તૈનાત દીધી છે. ખાસ બાબત એ છે કે આ તોપોમાં પૈડાં હોય છે, જેના કારણે તેમનું સ્થળાતર કરવામાં બીજા કોઈ વાહનની જરૂર પડતી નથી. સેનાએ M-777 આર્ટિલરી ગન પણ તૈનાત કરી છે. આ ઉપરાંત ભારતે હવાઈ સુરક્ષા માટે વિસ્તૃત વ્યવસ્થા પણ કરી છે. 

Share: