ગ્રેટા થનબર્ગ ટૂલકિટ કેસ : એક્ટિવિસ્ટ દિશા રવિના 5 દિવસના રિમાન્ડ મંજૂર, ખાલિસ્તાની ગૃપને જીવંત કરવાનો આરોપ

ગ્રેટા થનબર્ગ ટૂલકિટ કેસ : એક્ટિવિસ્ટ દિશા રવિના 5 દિવસના રિમાન્ડ મંજૂર, ખાલિસ્તાની ગૃપને જીવંત કરવાનો આરોપ

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2021, રવિવાર

ગ્રેટા થનબર્ગ ટૂલકિટ મામલે ધરપકડ કરવામાં આવેલી એક્ટિવિસ્ટ દિશા રવિને પાંચ દિવસ માટે પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે દિશાને બેંગલોરથી ધરપકડ કરી હતી. આ મહિનાની 4 તારીખે દિલ્હી પોલીસે ગ્રેટા થનબર્ગે ટ્વિટર પર શેર કરેલી ટૂલકિટને લઇને કેસ નોંધ્યો હતો. આ ટૂલકિટ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદલન અંગે હતી.

ત્યારે દિશા રવિ પર આરોપ છે કે તેણે આ ટૂલકિટને એડિટ કરી અને તેમાં કેટલીક વસ્તુઓ જોડીને તેને આગળ મોકલી. દિલ્હી પોલીસે કોર્ટમાં દિશા રવિના સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પોલીસે કહ્યું કે ખાલિસ્તાની ગ્રુપને ફરી વખત જીવંત કરવા માંગે છે અને ભારત સરકાર વિરુદ્ધમાં ષડયંત્ર કરે છે. 

પોલીસે કહ્યું કે તેમણે ટૂલકિટને એડિટ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે દિશા રવિ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુથી પણ પ્રભાવિત છે. દિશા ઉપર 3 ફેબ્રુઆરીના રોજ એડિટ કરવાનો આરોપ લાગ્યો હતો. પોલીસે દિશાનો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે, પરંતુ તેમાં પહેલાથી જ ડેટા ડિલિટ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ મામલે હજુ શાંતનુ અને નિકિતાની ધરપકડ કરવાની બાકી છે.

કોર્ટમાં દિશાએ કહ્યું કે તેણે ટૂલકિટની માત્ર બે લાઇનને એડિટ કરી છે. તેણે કહ્યું કે મેં ખેડૂતોના સપોર્ટમાં ટૂલકિટ એડિટ કરી હતી, જે અન્નદાતા છે તેમના આંદોલનથી હું પ્રભાવિત છું. તેઓ મને ખોરાક અને પાણી આપે છે.

Share: