'એક દેશ, એક ચૂંટણી' માટે સમિતિ રચાઈ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે નેતૃત્વ, કોંગ્રેસે તાક્યું નિશાન

'એક દેશ, એક ચૂંટણી' માટે સમિતિ રચાઈ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે નેતૃત્વ, કોંગ્રેસે તાક્યું નિશાન

લોકસભા 2024ની ચૂંટણી આગામી વર્ષે યોજાનાર છે ત્યારે ચૂંટણી પહેલા એક તરફ જ્યાં તમામ વિપક્ષી દળો એકજૂટ થઈ ગયા છે અને તેમણે INDIA ગઠબંધનની રચના કરી દીધી છે ત્યાં મોદી સરકારે તેમની મુશ્કેલી વધારવા માટે વધુ એક પગલું ભરવાની તૈયારી કરી લીધી હોય તેમ મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ફરી એકવાર મોટો નિર્ણય કરતા એક દેશ, એક ચૂંટણી માટે સમિતિની રચના કરી દેવામાં આવી છે. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામાં આવ્યું છે. 

કેન્દ્ર સરકારે વિશેષ સત્ર બોલાવ્યું

આ સમિતિ તમામ કાનૂની પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. લોકોનો અભિપ્રાય મેળવશે. આ સમિતિમાં કયા કયા સભ્યોને સામેલ કરાશે તે અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એવી ચર્ચા છે કે સરકાર સંસદમાં વન નેશન વન ઇલેક્શન માટે બિલ લાવી શકે છે. વન નેશન વન ઈલેક્શનનો સીધો અર્થ એ છે કે દેશમાં યોજાનારી તમામ ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે.

અધીર રંજને કહ્યું – સરકારની નિયત સાફ નથી 

બીજી બાજુ આ જાહેરાત સાથે જ વિપક્ષમાંથી કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મોદી સરકાર સામે નિશાન તાકતાં વન નેશન વન ઈલેક્શન મુદ્દે મોદી સરકારની નિયત સામે જ સવાલો ઊઠાવ્યા હતા અને તેમણે કહ્યું કે આ મામલે સરકારની નિયત સાફ નથી. અધીર રંજન ચૌધરીએ વધુમાં કહ્યું કે સરકારે પહેલા તો મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ અને સમસ્યાઓને હલ કરવા પર ધ્યાન આપવાની જરુર છે ત્યાં તે ચૂંટણીઓ પર જ ધ્યાન આપી રહી છે.

Share: