દેશમાં ત્રીજી લહેર ક્યારે આવશે?, કેન્દ્ર સરકારના કોવિડ -19 વર્કીંગ ગૃપનાં વડા અરોરાએ આપ્યો આ જવાબ

દેશમાં ત્રીજી લહેર ક્યારે આવશે?, કેન્દ્ર સરકારના કોવિડ -19 વર્કીંગ ગૃપનાં વડા અરોરાએ આપ્યો આ જવાબ

નવી દિલ્હી, 27 જુન 2021 રવિવાર

કેન્દ્ર સરકારના કોવિડ -19 વર્કીંગ ગૃપનાં વડા એન.કે.અરોરાએ રવિવારે કહ્યું કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ડિસેમ્બર સુધી ટળી શકે છે. ડો.અરોરાએ જણાવ્યું કે ICMRની સ્ટડીથી જાણી શકાયું કે દેશમાં ત્રીજી લહેર મોડી આવશે, તેમણે એમ પણ કહ્યું કે આવું થવાથી દેશને રસીકરણ માટે સમય મળશે, સરકારે દરરોજ 1 કરોડ ડોઝ લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

કેન્દ્રીય પેનલના ચેરમેને કહ્યું કે, “દેશમાં દરેકને રસી આપવા માટે આપણી પાસે 6-8 મહિના છે.” તેમણે એમ પણ કહ્યું કે, આગામી દિવસોમાં, સરકાર દરરોજ 1 કરોડ લોકોને રસી લગાવશે. તે સાથે તેમણે એમ પણ કહ્યું કે ત્રીજી લહેર ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે આવશે, તેવું હાલ કહીં શકાય નહીં. જોકે, તેમણે તેનો ઇન્કાર પણ કર્યો ન હતો.

ડો. અરોરાએ પીટીઆઈને જણાવ્યું કે, “લહેર નવા વેરિયેન્ટ કે નવા મ્યુટેશન સાથે સંકળાયેલી હોય છે, તેથી સંભવ છે કારણ કે આ એક નવો વેરિયેન્ટ છે. પરંતુ તે ત્રીજી લહેર લાવશે, તેવું કહેવું હાલ મુશ્કેલ છે, કારણ કે તે બે કે ત્રણ વસ્તુઓ પર આધારિત છે.

શું કોરોનાની ત્રીજી લહેરને રોકી શકાય?

ડેલ્ટા પ્લસ વેરિએન્ટનાં વધતા જતા કેસો વચ્ચે દેશમાં કોરોના ત્રીજી લહેરની આશંકા વધી રહી છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે તેને પણ ટાળી શકાય છે. જે દેશોમાં 20 ટકાથી વધુ વસ્તીને રસી આપવામાં આવી છે, ત્યાં ત્રીજી લહેર આવી નથી. ICMR અને ઇમ્પિરિયલ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોએ કરેલા સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેર બીજી લહેર જેવી ભયાનક તબાહી સર્જશે નહીં. 

Share: