ગુજરાતઃ કર્મચારીએ કહ્યું- મારો અંતરાત્મા મને વેક્સિન લેવા મંજૂરી નથી આપી રહ્યો.. HCએ વાયુસેનાને આપી નોટિસ

ગુજરાતઃ કર્મચારીએ કહ્યું- મારો અંતરાત્મા મને વેક્સિન લેવા મંજૂરી નથી આપી રહ્યો.. HCએ વાયુસેનાને આપી નોટિસ


– વાયુસેનાને પહેલી જુલાઈ સુધી અરજીકર્તા વિરૂદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવાનો નિર્દેશ અપાયો

નવી દિલ્હી, તા. 24 જૂન, 2021, ગુરૂવાર

ગુજરાત હાઈકોર્ટે કોરોના વેક્સિન લેવાની ઈચ્છા ન ધરાવતા કર્મચારીની અરજી મામલે વાયુસેનાને નોટિસ ફટકારી છે. વાયુસેનાએ વેક્સિન ન લેવા મુદ્દે પોતાના આ કર્મચારીને સેવામાંથી દૂર થઈ જવા માટે કારણ બતાવો નોટિસ પાઠવી હતી અને કર્મચારીએ તેને હાઈકોર્ટમાં પડકારી હતી. 

જસ્ટિસ એજે દેસાઈ અને જસ્ટિસ એપી ઠાકેરની ડિવિઝન પીઠે મંગળવારે જાહેર કરેલા આદેશમાં વાયુસેના અને કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી. આ સાથે જ વાયુસેનાને પહેલી જુલાઈ સુધી અરજીકર્તા વિરૂદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

વાયુસેનાના કોર્પોરલ અને અરજીકર્તા યોગેંદર કુમારે 10 મે, 2021ના રોજ જાહેર કરાયેલી કારણ બતાવો નોટિસ રદ્દ કરાવવા માટે હાઈકોર્ટના બારણે ટકોરા માર્યા હતા. વાયુસેનાએ કારણ બતાવો નોટિસમાં લખ્યું હતું કે, તેમનો વેક્સિન ન લેવાનો નિર્ણય સંપૂર્ણપણે અનુશાસનહીનતા છે અને તેઓ સેવામાં જોડાયેલા રહે તેનાથી અન્ય વાયુ યોદ્ધાઓ અને વાયુસેનાના સામાન્ય લોકોના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી શકે છે. 

વેક્સિન લેવાની ના પાડનારા અરજીકર્તાએ વાયુસેનાને આપવામાં આવેલા આવેદનમાં કહ્યું હતું કે તે કોરોના વિરૂદ્ધ પોતાની ઈમ્યુનિટી વધારવા આયુર્વેદિક દવાઓનું સેવન કરી રહ્યો છે. સાથે જ તે કોઈ ઈમરજન્સી સિચ્યુએશનમાં ફક્ત એલોપેથિક દવાઓ અથવા કોઈ ઉકેલ ન મળે તો આયુર્વેદનો પ્રયોગ કરે છે. વધુમાં તેણે કહ્યું હતું કે, તેનો ખચકાટ અને અંતરાત્મા તેને વેક્સિન લેવાની મંજૂરી નથી આપી રહ્યા. 

Share: