ચૂંટણીની તૈયારી : હવે બદલાશે ગુજરાત, કાલે હું ગુજરાત આવી રહ્યો છું : કેજરીવાલનું ગુજરાતીમાં ટ્વિટ

ચૂંટણીની તૈયારી : હવે બદલાશે ગુજરાત, કાલે હું ગુજરાત આવી રહ્યો છું : કેજરીવાલનું ગુજરાતીમાં ટ્વિટ

અમદાવાદ, તા. 13 જૂન 2021, રવિવાર

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર 2022ની વિધાનસભા ચૂંટણીના ભણકારા અત્યારથી સંભળાવવા લાગ્યા છે. તમામ રાજકિય પક્ષો અને નેતાઓ અત્યારથી જ ચૂંટણી માટે સક્રિય થઇ ગયા છે. ખાસ કરીને રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જેના રાજકિય પંડિતો વિવિધ અર્થ કાઢી રહ્યા છે. તેવામાં આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટી પણ ત્રીજા પક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવી રહી છે. 

બે મહિના પહેલા યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં સફળતા મેળવીને આપની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઇ હતી. તે સમયે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. ત્યારબાદ હવે ફરી આવતી કાલે તેઓ અમદાવાદ આવી રહ્યા છે. આ માટે અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં ટ્વિટ પણ કર્યુ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે,  હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું, ગુજરાતના બધા ભાઈ-બહેનોને મળીશ

આવતી કાલે તેઓ અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે. સાથે એવી પણ માહિતિ મળી છે કે કાલે ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. જેમાં મોટા નામ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી પણ અત્યારથી જ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી છે. આપે તે પહેલા જ જાહેરાત કરી હતી કે તે રાજ્યની તમામ સીટો પરથી ચૂંટણી લડશે.

Share: