18થી 45 વર્ષના માટેની રસીની જવાબદારી કેન્દ્ર સરકાર ઉઠાવે : સુપ્રીમ કોર્ટ

18થી 45 વર્ષના માટેની રસીની જવાબદારી કેન્દ્ર સરકાર ઉઠાવે : સુપ્રીમ કોર્ટ

– રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને જવાબદારી સોપવાની નીતિ અતાર્કિક : સુપ્રીમ
– રસીની ખરીદી, આદેશ, સપ્લાય અને કેટલા લોકોને રસી અપાઇ તે સંપૂર્ણ વિગતો રજુ કરવા સુપ્રીમનો આદેશ
– 18થી 45 વર્ષનામાં પણ કોરોનાનું જોખમ વધુ હોવાથી તેમના માટેના રસીકરણને ઝડપી બનાવો : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 2 જૂન 2021, બુધવાર

કોરોના રસીકરણ અભિયાનને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યા છે. સુપ્રીમે કેન્દ્ર પાસેથી રસીની ખરીદીની બધી જ વિગતો તેમજ રસિકરણનો પ્લાન શું છે સરકારનો તે બધી જ વિગતો મગાવી છે. આ ઉપરાંત અત્યાર સુધી કેટલા લોકોને રસી આપવામાં આવી તેના પણ ડેટા રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 45થી વધુ વયનાની રસીની જવાબદારી કેન્દ્રના હાથમાં છે, તેવી જ રીતે 18થી 45 વર્ષના માટેના રસીકરણ અભિયાનની જવાબદારી પણ રાજ્યો અને ખાનગી હોસ્પિટલો પર થોપવાને બદલે કેન્દ્રએ પોતાના હાથમાં લેવી જોઇએ. 

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એવા અહેવાલો છે કે 18થી 45 વર્ષના ન માત્ર કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે સાથે સાથે ગંભીર રીતે બિમાર પણ પડી રહ્યા છે. તેઓને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે. તમામ દુર્ભાગ્યપૂર્ણ મામલાઓમાં દર્દીઓના મોત પણ થઇ રહ્યા છે.

મહામારીના બદલાઇ રહેલા સ્વરુપને જોતા લાગી રહ્યું છે કે 18થી 45 વર્ષનાનુ પણ વેક્સિનેશન કરવું જોઇએ. જોકે કેન્દ્ર સરકારે 18થી 45 વર્ષના માટેના રસીકરણ અભિયાનને રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને સોપવાનો નિર્ણય મનમાની ભર્યો અને અતાર્કિક છે. 

બ્લેક ફંગસને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ક્યા ક્યા પગલા લેવામાં આવ્યા તેનો રિપોર્ટ પણ મગાવવામાં આવ્યો છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કેટલા લોકોને રસી આપવામાં આવી આ બધા જ સવાલોનો સુપ્રીમ કોર્ટે બે સપ્તાહમાં જવાબ આપવા માટે આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેંચના ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ, એલ એન રાવ અને એસ રવિંદ્ર ભટે કહ્યું હતું કે રસીની ખરીદી, ઓર્ડર, સપ્લાય સહિતની વિગતો તારીખ સાથે આપવામા આવે. હવે આ મામલાની સુનાવણી ૩૦મી જુને કરવામાં આવશે.

Share: