દિલ્હીમાં ઘરેબેઠા ઓર્ડર કરી શકાશે દારૂ, કેજરીવાલ સરકારે હોમ ડિલિવરીને આપી મંજૂરી

દિલ્હીમાં ઘરેબેઠા ઓર્ડર કરી શકાશે દારૂ, કેજરીવાલ સરકારે હોમ ડિલિવરીને આપી મંજૂરી


– કોઈ પણ છાત્રાલય, કાર્યાલય કે સંસ્થાઓને કોઈ ડિલિવરી નહીં આપવામાં આવે

નવી દિલ્હી, તા. 1 મે, 2021, મંગળવાર

હવે દિલ્હીમાં પણ દારૂની હોમ ડિલિવરી શરૂ થઈ ગઈ છે. દિલ્હી સરકારે મોબાઈલ એપ કે ઓનલાઈન વેબપોર્ટલ દ્વારા દારૂની હોમ ડિલિવરી આપવા મંજૂરી આપી દીધી છે. આના પહેલા છત્તીસગઢ સરકારે દારૂની હોમ ડિલિવરી શરૂ કરી હતી. આ નિર્ણય પાછળ સરકારનો તર્ક એવો છે કે, તેનાથી કોરોના કાળમાં દારૂની દુકાનોએ ભીડ નહીં જામે. 

દિલ્હી આબકારી (સંશોધન) નિયમ 2021 પ્રમાણે એલ-13 લાયસન્સ ધરાવનારાઓને લોકોના ઘરે દારૂ પહોંચાડવાની મંજૂરી અપાશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, લાયસન્સધારકો ફક્ત મોબાઈલ એપ કે ઓનલાઈન વેબપોર્ટલ દ્વારા ઓર્ડર મળવા પર જ ઘરે દારૂની ડિલિવરી આપશે અને કોઈ પણ છાત્રાલય, કાર્યાલય કે સંસ્થાઓને કોઈ ડિલિવરી નહીં આપવામાં આવે.

પહેલા ઈ-મેઈલ, ફેક્સ દ્વારા મળતી હતી હોમ ડિલિવરી

જોકે અગાઉ પણ દારૂની હોમ ડિલિવરી આપવામાં આવતી હતી પરંતુ તેમાં ઈ-મેઈલ કે ફેક્સ દ્વારા ઓર્ડર મળ્યા બાદ જ લાયસન્સધારક દારૂ પહોંચાડી શકતા હતા. હવે મોબાઈલ એપ કે ઓનલાઈન પોર્ટલ દ્વારા ઓર્ડર કરવા પર દારૂની હોમ ડિલિવરી મળશે. તેનો મતલબ એવો નથી થતો કે તમામ દારૂની દુકાનોને તાત્કાલિક હોમ ડિલિવરી આપવા અધિકૃત કરવામાં આવશે. 

દારૂની હોમ ડિલિવરી માટે વિચાર કરે રાજ્યઃ SC

ગત વર્ષે જ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે રાજ્યોએ દારૂની હોમ ડિલિવરી અંગે વિચાર કરવો જોઈએ કારણ કે, દારૂની દુકાનો બહાર ભીડના કારણે કોરોના ગાઈડલાઈન્સના ઉલ્લંઘનની અનેક તસવીરો સામે આવી હતી. ત્યાર બાદ કોરોનાની બીજી લહેર આવતા જ દિલ્હીમાં ફરી દારૂની દુકાનો બંધ કરી દેવામાં આવી હતી.

દુકાનો બંધ, હોમ ડિલિવરી ચાલુ

કોરોનાના કેસ ઘટતા જ દિલ્હી સરકારે ધીમે-ધીમે અનલોક પ્રોસેસ શરૂ કરી દીધી છે. પરંતુ હજુ દારૂની દુકાનો ખોલવા અંગે નિર્ણય નથી લેવાયો. આ બધા વચ્ચે દારૂની દુકાનો બંધ હોવાથી થઈ રહેલા મહેસૂલી નુકસાનને કવર કરવા માટે સરકારે હોમ ડિલિવરીની મંજૂરી આપી છે. 

Share: