ઓક્સિજનના અભાવે ગોવા, આંધ્ર અને તેલંગણામાં કુલ 44કોરોના દર્દીનાં મોત

ઓક્સિજનના અભાવે ગોવા, આંધ્ર અને તેલંગણામાં કુલ 44કોરોના દર્દીનાં મોત


– ઓક્સિજન સપ્લાય બરાબર હોવાના કેન્દ્રના દાવાની પોલ ખુલી

– હોસ્પિટલને 1200 સિલિન્ડર ઓક્સિજનની જરૂર હતી પણ મળ્યા માત્ર 400 : ગોવાના સ્વાસ્થ્ય મંત્રી

– આંધ્રની હોસ્પિટલમાં ઓક્સિજનનું ટેન્કર મોડુ આવ્યું, માત્ર 5-10 મિનિટમાં જ મોત નિપજ્યા : હૈદરાબાદમાં ઓક્સિજન ટેન્કરનો ડ્રાઇવર રસ્તો ભટકી ગયો, સાત દર્દીના મોત

– ગોવાની હોસ્પિટલમાં રાત્રે બેથી છ વાગ્યાની વચ્ચે ઓક્સિજન સપ્લાયમાં ગેપ હતો તેથી મોત થયા : સીએમ

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં એવા દાવા કરતી આવી છે કે રાજ્યોમાં ઓક્સિજનની અછત નથી ઉભી થવા દીધી અને હવે બધુ સલામત સ્થિતિમાં ચાલી રહ્યું છે. જોકે હકીકત અલગ સામે આવી રહી છે. દેશમાં ઓક્સિજનની અછત પૂર્ણ નથી થઇ, ગોવામાં સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે માત્ર ચાર જ કલાકમાં ૨૬ કોરોના દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં પણ એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે માત્ર ૧૦ જ મિનિટમાં ૧૧ કોરોના દર્દીઓના મોત નિપજ્યા હતા. જ્યારે હૈદરાબાદમાં પણ સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ખુદ ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે સ્વિકાર કર્યો હતો કે ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (જીએમસીએચ)માં પરોઢે બેથી ચાર વાગ્યાના સમયે ઓક્સિજન ન મળવાથી કોરોના વોર્ડમાં કોરોનાની સારવાર લઇ રહેલા ૨૬ દર્દીઓના મોત નિપજ્યા હતા. જોકે સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ગોવામાં ઓક્સિજનની અછત નથી. જ્યારે ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજિત રાણેએ કહ્યું હતું કે અમે આ સમગ્ર ઘટનાની હાઇકોર્ટ દ્વારા તપાસ થાય તેવી માગણી કરી રહ્યા છીએ. 

જોકે ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજિત રાણેએ એ વાતનો સ્વિકાર કર્યો હતો કે ગોવાને જરુરિયાત પુરતો ઓક્સિજન નથી મળ્યો, તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગોવાની આ સરકારી હોસ્પિટલમાં સોમવારે ૧૨૦૦ મોટા ઓક્સિજન સિલિન્ડરની જરુર હતી, જેની સામે માત્ર ૪૦૦ સિલિન્ડર જ મળ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે ગોવાના સ્વાસ્થ્ય મંત્રીએ ખુદની સરકાર અને પ્રશાસનની સામે જ હાઇકોર્ટ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગણી કરી નાખી છે સાથે કેન્દ્ર સરકારની ઓક્સિજન પુરુ પાડયું હોવાના દાવાની પોલ પણ ખોલી નાખી છે.   ગોવામાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપ છે. એવામાં હવે ભાજપ શાસીત રાજ્યોની સરકારો પણ કેન્દ્ર સરકારના દાવાની પોલ ખોલી રહી છે. ગોવાની હોસ્પિટલમાં જે કોરોના દર્દીઓએ ઓક્સિજનના અભાવે જીવ ગુમાવ્યો તેમના પરિવારજનોમાં પણ સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે અને ઓક્સિજન ન મળવાથી જ મોત થયું હોવાનું કહી રહ્યા છે. 

જ્યારે આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં પણ ઓક્સિજન ન પહોંચવાથી અહીંની તીરુપતી સરકારી હોસ્પિટલમાં ૧૧ કોરોના દર્દીના મોત નિપજ્યા હતા. ખુદ ચિત્તૂરના કલેક્ટર એમ હરીનારાયણે કહ્યું હતું કે આ હોસ્પિટલમાં ઓક્સિજનની એટલી અછત હતી કે સારવાર માટે બેકઅપમાં ઓક્સિજન નહોતો, ઓક્સિજનનંુ ટેંકર તમિલનાડુથી આવી રહ્યું હતું જેમાં મોડુ થતા આ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. માત્ર પાંચથી ૧૦ મિનિટના સમયગાળામાં જ ૧૧ કોરોના દર્દીઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ગોવા અને આંધ્ર બન્ને રાજ્યોમાં ઓક્સિજન ન મળવાથી કુલ મળીને ૩૭ કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જે સાથે જ ઓક્સિજન સપ્લાય બરાબર થઇ રહ્યો હોવાના કેન્દ્ર સરકારના દાવાની પણ પોલ ખુલી છે.   

દરમિયાનમાં હૈદરાબાદમાં ઓક્સિજનના અભાવે કોરોનાના સાત દર્દીઓના મોત નિપજ્યા છે. અહીં પણ ઓક્સિજન સમયસર ન પહોંચ્યો હોવાને કારણે આ મોત થયા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર હૈદરાબાદના સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનનું ટેંકર આવી રહ્યું હતું, જોકે ડ્રાઇવર રસ્તો ભટકી ગયો જેને પગલે ટેંકર મોડુ પહોંચ્યું. ઓક્સિજન ન મળતા સાત દર્દીના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અગાઉ જ હોસ્પિટલ પ્રશાસને ઓક્સિજનના અભાવની ફરિયાદો કરી હતી છતા સમયસર વ્યવસ્થા ન થઇ શકી જેને પગલે ઓક્સિજનનું પ્રેશર ઘટના લાગ્યુ અને જોતજોતામાં સાત લોકો માર્યા ગયા.

Share: