દેશનાં 18 રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ-લોકડાઉનનાં કારણે કેસો ઘટ્યા, જો કે 13 પ્રદેશોમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ

દેશનાં 18 રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ-લોકડાઉનનાં કારણે કેસો ઘટ્યા, જો કે 13 પ્રદેશોમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ

નવી દિલ્હી, 11 મે 2021  મંગળવાર

આરોગ્ય મંત્રાલયે મંગળવારે મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે દેશનાં 18 રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ-લોકડાઉન જેવા નિયંત્રણોનાં કારણે કેસોમાં ઘટાડો થવા માંડ્યો છે. જો કે, 16 રાજ્યોમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાણા, ચંદીગઢ, લદાખ, દમણ અને દીવ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર અને ગુજરાતમાં દૈનિક કોરોનાનાં નવા કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

આ રાજ્યોમાં કેસ વધી રહ્યા છે

મંત્રાલયના જણાવ્યા અનુસાર કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, પંજાબ, આસામ, જમ્મુ-કાશ્મીર, ગોવા, હિમાચલ પ્રદેશ, પુડુચેરી, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં દરરોજ નવા કેસ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 13 રાજ્યો એવા છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. 6 રાજ્યોમાં 50,000 થી 1 લાખની વચ્ચે એક્ટિવ કેસોની સંખ્યા રહે છે. 17 રાજ્યો એવા છે જ્યાં 50,000થી ઓછા એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોના પોઝિટિવિટી રેટ 21 ટકા: ડો. બલરામ ભાર્ગવ 

ICMRનાં ડાયરેક્ટર જનરલ, બલરામ ભાર્ગવએ જણાવ્યું કે દેશમાં કોરોના પોઝિટિવિટી રેટમાં 21 ટકાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે 30 એપ્રિલ, 2021 ના ​​રોજ 19,45,299 ટેસ્ટ કરવામાં આવ્યા, જે વિશ્વમાં સૌથી વધુ છે. ભાર્ગવે કહ્યું કે, બધી સરકારી અને ખાનગી આરોગ્ય સંભાળ સુવિધાઓમાં રેપિડ એન્ટિજેન ટેસ્ટ (આરએટી) ની મંજૂરી હોવી જોઈએ, જેના માટે કોઈ માન્યતા જરૂરી નથી. અમે ઘરેલું ટેસ્ટિંગ પર પણ વિચાર કરી રહ્યા છીએ.

Share: