રાત્રિ કર્ફ્યુ પુરતો નથી, સરકાર વધારે કડક પગલા લે : હાઇકોર્ટે 43 પાના ભરી સરકારને નિર્દેશ આપ્યા

રાત્રિ કર્ફ્યુ પુરતો નથી, સરકાર વધારે કડક પગલા લે : હાઇકોર્ટે 43 પાના ભરી સરકારને નિર્દેશ આપ્યા

અમદાવાદ, તા. 5 મે 2021, બુધવાર

રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો સુનવણી ચાલી રહી છે. ગઇકાલની ઓનલાઇન સુનવણી બાદ હાઇકોર્ટે આજે રાજ્ય સરકારને વિવિધ નિર્દેશ આપ્યા છે. હાઇકોર્ટે આજ પણ સરકારની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યા તે પૂરતા નથી, કોરોનાની ચેઇન તોડવા માટે સરકાર કડક પગલાં લે. આ સાથે જ હાઇકોર્ટે સરકારને 43 પાના ભરીને આદેશ આપ્યા છે. આ સિવાય હાઇકોર્ટે કોરોનાને લઈને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરી મુદ્દે એફિટેવિટ કરવા પણ કહ્યું છે.

ધન્વંતરી હોસ્પિટલમાં સફાઈના મુદ્દા પર હાઈકોર્ટે કહ્યું કે હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ ન હોવી જોઈએ. આ સિવાય હાઈકોર્ટે સવાલ કર્યો કે 21 નવા આરટીપીસીઆર મશીન સંદર્ભે સરકાર શું કરી રહી છે? આરટીપીસીઆર ટેસ્ટિંગ પર વધુ ભાર આપવા અને ટેસ્ટિંગના યોગ્ય આંકડાઓ આપવાનો પણ સરકારને નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે સરકારના નિર્ણય પર કહ્યું કે, રાજ્ય સરકાર દ્વાર રાત્રી કરફ્યૂ લગાવવામાં આવ્યો તે પુરતો નથી. રાજ્ય સરકારે કોરોનાની ચેઈન તોડવા માટે કડક પગલા લેવા જોઈએ અને રાજ્યમાં ટેસ્ટિંગ બાબતે લોકોને સાચી વિગત આપવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટ છેલ્લી ઘણી સુનવણીમાં સરકારને સતત ફટકાર લગાવી રહી છે. ગઇ કાલે જે સુનવણી થઇ હતી, તેમાં પણ હાઇકોર્ટે રાજ્ય સરકારને ઉધડો લીધો હતો. જેમાં ટેસ્ટીંગ, ઓક્સિજન અને 108 મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારે આ અંગે આજે હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યા છે. ગઇકાલે કોર્ટે સરકારને એવો સવાલ પણ કર્યો હતો કે કોર્ટના આદેશ બાદ જ સરકાર હરકતમાં કેમ આવે છે?

Share: