કેજરીવાલની જાહેરાતઃ દિલ્હીમાં બધાને ફ્રીમાં મળશે વેક્સિન, કિંમતો પર ઉઠાવ્યા સવાલ

કેજરીવાલની જાહેરાતઃ દિલ્હીમાં બધાને ફ્રીમાં મળશે વેક્સિન, કિંમતો પર ઉઠાવ્યા સવાલ


– 150 રૂપિયાની વેક્સિનમાં પણ ફાયદો થઈ રહ્યો છે તો પછી અલગ-અલગ કિંમતો શા માટે તેવો સવાલ

નવી દિલ્હી, તા. 26 એપ્રિલ, 2021, સોમવાર

દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા કોરોનાના સંકટ વચ્ચે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં 18 વર્ષથી વધારે ઉંમર ધરાવતા તમામ નાગરિકોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે રાજ્ય સરકારે 1.34 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે અને 1 મેથી દિલ્હીમાં મોટા પાયે વેક્સિનેશનનું કામ કરવામાં આવશે.

વેક્સિનના વિવિધ ભાવ સામે સવાલ

કેજરીવાલે વેક્સિન ઉત્પાદકોને વિનંતી કરતા કહ્યું હતું કે, કેન્દ્ર, રાજ્ય અને પ્રાઈવેટ હોસ્પિટલોને સરખી કિંમતે વેક્સિન મળવી જોઈએ. જો વેક્સિન ઉત્પાદકો એવો દાવો કરતા હોય કે, 150 રૂપિયાની વેક્સિનમાં પણ ફાયદો થઈ રહ્યો છે તો પછી અલગ-અલગ કિંમતો શા માટે રાખવામાં આવી રહી છે. 

દિલ્હીના મુખ્યમંત્રીએ વિનંતી કરી હતી કે, નફો કમાવવા માટે આખી જિંદગી પડી છે. આ સંજોગોમાં રાજ્ય સરકારોને પણ ઓછી કિંમતે વેક્સિન મળવી જોઈએ. કેન્દ્ર સરકારે આ મામલે દખલ કરવી જોઈએ. અરવિંદ કેજરીવાલે ટૂંક સમયમાં જ દિલ્હીમાં બેડની સંખ્યા વધારી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. 

Share: