29 દેશોમાંથી મળ્યો કોરોનાનો નવો વેરિએન્ટ 'લૈમ્બ્ડા', વધારી શકે છે કોરોનાનું સંક્રમણ: WHO

29 દેશોમાંથી મળ્યો કોરોનાનો નવો વેરિએન્ટ 'લૈમ્બ્ડા', વધારી શકે છે કોરોનાનું સંક્રમણ: WHO

યુનો, તા.18 જૂન 2021, શુક્રવાર

કોરોના મુદ્દે રોજેરોજ નવા સંશોધન અને અભ્યાસ થઇ રહ્યા છે કે જેથી રોગચાળા વિષે મહત્તમ માહિતી મળી શકે.

તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન- ‘હૂ’) એ કોરોનામુદ્દે નવી માહિતી પૂરી પાડતા જણાવ્યું કે દુનિયાના 29 દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ (વાઇરસ) મળી આવ્યો છે, જેનું નામ ‘લૈમ્બ્ડા’ છે.

ખાસ કરીને દક્ષિણ અમેરિકામાંથી મળેલો કોરોનાનો નવો વેરિએન્ટ ‘લૈમ્બ્ડા’ ત્યાંની પેદાશ હોવાનું મનાઇ રહ્યું છે. એ પેરૂ દેશમાં પણ મળી આવ્યો છે. દક્ષિણ અમેરિકામાં વ્યાપક ફેલાવાના લીધે ‘લૈમ્બ્ડા’ ને વૈશ્વિક રૂચિના રૂપે વર્ગીકૃત કરાયો છે.

પેરૂના અધિકારીઓએ જણાવ્યું કે એપ્રિલ, 2021થી અત્યાર સુધી 81 ટકા સંક્રમિત મામલાઓમાં આજ વેરિએન્ટ મળી આવ્યો છે. ચિલેમાં છેલ્લા 60 દિવસોમાં નોંધાયેલા બનાવોમાં 31 ટકા કેસમાં કોવિડ-19નો નવો વેરિએન્ટ જોવા મળ્યો. તદુપરાંત, આર્જેન્ટિના અને ઇક્વાડોરમાં પણ કોરોનાના નવા વેરિએન્ટના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે લૈમ્બ્ડા વંશમાં ઉત્પરિવર્તન થાય છે, જે સંક્રમણ ક્ષમતાને વધારી શકે છે. અથવા એન્ટિબોડી વિરૂધ્ધ વાઇરસને સંગીન બનાવી શકે છે. જોકે આ મુદ્દે પૂરતા પુરાવા નથી. ‘લૈમ્બ્ડા’ને સમજવા માટે વધુ સંશોધન જરૂરી છે.

નોંધનીય છે કે દુનિયામાં અત્યાર સુધી કોરોના વાઇરસના ડેલ્ટા વેરિએન્ટે મહત્તમ તબાહી મચાવી છે. ડેલ્ટા વેરિએન્ટના લીધે લાખો લોકો મૃત્યુ પામ્યા છે.

Share: