સામૂહિક આપઘાત, પતિ સાથે ઝઘડો થયા બાદ પત્નીએ પાંચ પુત્રીઓ સાથે ટ્રેન નીચે પડતુ મુક્યુ

સામૂહિક આપઘાત, પતિ સાથે ઝઘડો થયા બાદ પત્નીએ પાંચ પુત્રીઓ સાથે ટ્રેન નીચે પડતુ મુક્યુ

છત્તીસગઢ,તા.10 જૂન 2021,ગુરૂવાર

છત્તીસગઢમાં સામૂહિક આત્મહત્યાનો કાળજુ કંપાવી દે તેવો મામલો સામે આવ્યો છે. પતિ સાથે ઝઘડો થયા બાદ પત્નીએ પોતાની પાંચ પુત્રીઓ સાથે ટ્રેન સામે પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી છે.

છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં એક મહિલા અને તેની પાંચ પુત્રીઓના મૃતદેહ રેલવે ટ્રેક પર મળી આવ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે સૌથી મોટી પુત્રીની વય 17 વર્ષ અને સૌથી નાની પુત્રઈની વય 10 વર્ષ હતી. આત્મહત્યા કરનાર મહિલાનુ નામ ઉમા સાહૂ હોવાનુ અને તેની વય 45 વર્ષ હોવાનુ બહાર આવ્યુ છે. તેની પાંચ પૂત્રીઓના નામ અન્નપૂર્ણા, યશોદા, ભૂમિકા, તુલસી અને કુમકુમ છે.

પોલીસને વહેલી સવારે ઘટનાની જાણકારી મળી હતી.પોલીસના કહેવા પ્રમાણે રાતે મહિલાનો પતિ સાથે ઝઘડો થયો હતો અને એ પછી પોતાની પુત્રીઓ સાથે નીકળી ગઈ હતી. તમામના મૃતદેહ રેલવે ટ્રેક પર મળી આવ્યા હતા. જોકે આ ઘટનામાં તપાસ ચાલી રહી છે પણ મહિલાએ પુત્રીઓ સાથે આત્મહત્યા કરી હોવાની આશંકા છે. સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

પોલીસનુ એવુ પણ કહેવુ છે કે, મહિલાના પતિને દારૂ પીવાની લત હતી. બુધવારે સાંજે દારૂ પીવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. એ પછી ઉમા પોતાની પુત્રીઓને લઈને ઘરમાંથી નીકળી ગઈ હતી. રાતના લગભગ સાડા નવ વાગ્યે તેણે ટ્રેન સામે કુદીને આત્મહત્યા કરી હોવાનુ અનુમાન છે.

Share: