સમજૂતી બાદ લદ્દાખમાંથી બે દિવસમાં ચીને 200 જેટલી ટેન્કો હટાવી, ટૂંક સમયમાં સેના પાછી બોલાવશે

સમજૂતી બાદ લદ્દાખમાંથી બે દિવસમાં ચીને 200 જેટલી ટેન્કો હટાવી, ટૂંક સમયમાં સેના પાછી બોલાવશે

 

નવી દિલ્હી, તા.12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

લદ્દાખમાં પહેલી વખત ભારત અને ચીન વચ્ચેનો તનાવ ઓછો થતો જોવા મળી રહ્યો છે. બંને દેશની સેના પૈંગોગ લેક વિસ્તારમાંથી પીછેહઠ કરવા માટે સંમત થઈ છે ત્યારે એવા અહેવાલ પણ મળી રહ્યા છે કે, સમજૂતી થયા બાદ ચીન દ્વારા અપેક્ષા કરતા વધારે ઝડપથી પોતાની સેના હટાવવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે બે દિવસમાં જ ચીને લદ્દાખ વિસ્તારમાંથી 200થી વધુ ટેન્ક હટાવી દીધી છે. એવુ મનાઈ રહ્યુ છે કે, ચીને સમજૂતીમાં નક્કી થયુ છે તે પ્રમાણે આ વિસ્તારમાંથી 15 દિવસમાં જ સેના પાછી હટાવી દેશે અને એ પછી ભારત સરકાર બીજા વિસ્તારો પર પણ વાતચીત કરશે.

ઉલ્લેખનીય છે કે, રાજનાથસિંહે ગુરુવારે સંસદમાં જાણકારી આપી હતી કે, ચીનની સેના ફિંગર આઠથી પાછળ જવા માટે તૈયાર થઈ ગઈ છે. અધિકારીઓનુ કહેવુ છે કે, આ સમજૂતી હાલમાં પૈંગોગ લેક વિસ્તાર સુધી જ મર્યાદિત છે અને આ વિસ્તારમાંથી પાછા હટવામાં બંને દેશની સેનાઓને બે સપ્તાહ જેટલો સમય લાગશે.

આ પ્રક્રિયા પૂરી થયા બાદ બંને દેશના લશ્કરી અધિકારીઓ વચ્ચે ફરી એક વખત વાટાઘાટો થશે અને તેમાં હોટ સ્પ્રિંગ, ડેપસાંગ વિસ્તારમાં પણ સેનાની તૈનાતી અંગે ચર્ચા કરવામાં આવશે.

Share: