વેક્સિન લીધા બાદ કોરોનાથી સંક્રમિત થયાં અભિનેતા પરેશ રાવલ

વેક્સિન લીધા બાદ કોરોનાથી સંક્રમિત થયાં અભિનેતા પરેશ રાવલ


– 9 માર્ચે જ પરેશ રાવલે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો

નવી દિલ્હી, તા. 27 માર્ચ, 2021, શનિવાર

બોલીવુડમાં કોરોનાનો પ્રભાવ સતત વધી રહ્યો છે અને રોજ કોઈને કોઈ કલાકાર તેની લપેટમાં આવી રહ્યા છે. આમિર ખાન, આર. માધવન જેવા કલાકારો બાદ હવે બોલીવુડના બાબુ ભૈયા એટલે કે પરેશ રાવલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ખાસ વાત એ છે કે, 9 માર્ચે જ પરેશ રાવલે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો અને તેમ છતા તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. 

પરેશ રાવલે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ દ્વારા પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘દુર્ભાગ્યવશ મારો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ મહેરબાની કરીને પોતાનો કોરોનાવાયરસ ટેસ્ટ કરાવી લે.’ 65 વર્ષીય અભિનેતાએ 9 માર્ચના રોજ કોવિડ-19 પ્રતિરોધી વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. વેક્સિન લીધા બાદ તેમણે ટ્વીટર પર તેનો એક ફોટો પણ શેર કર્યો હતો. 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોવિડ-19નો પ્રભાવ વધી રહ્યો છે અને કલાકારો સતત કોરોના વાયરસથી સંક્રમીત થઈ રહ્યા છે. રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી અને આર. માધવન પણ તેની લપેટમાં આવી ચુક્યા છે. આ તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોવિડ-19ના કેસ વધી રહ્યા હોવાથી નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી છે. 

Share: