રાજ્યમાં કોરોના વિષ્ફોટ, આજે 1730 નવા કેસ, 4 દર્દીઓનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 4458

રાજ્યમાં કોરોના વિષ્ફોટ, આજે 1730 નવા કેસ, 4 દર્દીઓનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 4458

ગાંધીનગર, 23 માર્ચ 2021 મંગળવાર

ગુજરાતમાં કોરોના સંક્રમણ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. કોરોનાનાં સંક્રમિતોની સંખ્યા જે તિવ્રતાથી વધી રહી છે તે ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 24 કલાકમાં આજે સૌથી વધુ રેકોર્ડ તોડ 1730 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 કોરોના દર્દીઓનાં સંક્રમણથી મોત થયા છે. આજે રાજ્યમાં 1255 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603  લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 95.60 ટકા છે. હાલ 8318 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 દર્દીઓ વેન્ટિલેટર પર અને 8242 દર્દીઓની સ્થિતી સ્ટેબલ છે. 

રાજ્યમાં આજે વધુ 4 દર્દીઓનાં કોરોના સંક્રમણથી મોત થયા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે અત્યાર સુધી કુલ 4458 લોકોના કોરોનાથી મોત થયા છે. 

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશનમાં 502, સુરત કોર્પોરેશનમાં 476, વડોદરા કોર્પોરેશનમાં 142,  રાજકોટ કોર્પોરેશનમાં 117, સુરતમાં 101, ખેડા 24, જામનગર કોર્પોરેશન 23, રાજકોટ 23,ગાંધીનગર કોર્પોરેશન -20, વડોદરા 20, કચ્છ 19, ભાવનગર કોર્પોરેશન 18,  ગાંધીનગર 16, મહેસાણા 16, આણંદ 15, ભરૂચ 15, પાટણ 15, દાહોદ 14, સાબરકાંઠા 14, ભાવનગર 13, જામનગર 13, નર્મદા 13, અમરેલી 11, મોરબી 10, બનાસકાંઠા અને મહીસાગરમાં 9-9 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 2,25,555 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 34,94,277 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,09,464 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,14,172 લોકોને રસી લગાવવામાં આવી છે.

Share: