ભાજપની ધૂન પર નાચે છે મહારાષ્ટ્રના રાજ્યપાલ, કેન્દ્ર સરકાર પાછા બોલાવેઃ શિવસેના

ભાજપની ધૂન પર નાચે છે મહારાષ્ટ્રના રાજ્યપાલ, કેન્દ્ર સરકાર પાછા બોલાવેઃ શિવસેના

નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2021, શનિવાર

મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યપાલ વચ્ચે હવે તનાવ એ હદે વધી ગયો છે કે, મહારાષ્ટ્ર સરકારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારને પાછા બોલાવવાની કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી છે. મહારાષ્ટ્ર સરકારમાં સામેલ શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકાર જો ઈચ્છતી હોય કે બંધારણ યથાવત રહે તો રાજ્યપાલને પાછા બોલાવી લેવા જોઈએ.

શિવસેનાના અખબાર સામનામાં આરોપ લગાવાયો છે કે, કોશિયારી છેલ્લા કેટલાક વર્ષોથી રાજકારણમાં છે.તેઓ કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડના સીએમ પણ રહી ચુક્યા છે. જોકે તેઓ હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. તાજેતરમાં તેઓ સરકારના વિમાનના ઉપયોગને લઈને ચર્ચામાં આવ્યા છે.ઉત્તરાખંડનો પ્રવાસ રાજ્યપાલનો અંગત પ્રવાસ હતો અને આ માટે તેમને મહારાષ્ટ્ર સરકારે સરકારી વિમાનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નહોતી. જે નિયમ પ્રમાણે બરાબર હતુ.

જોકે વિપક્ષના નેતા ફડનવીસે તેને મુદ્દો બનાવ્યો  છે અને સરકાર પર અહંકારી હોવાનો આરોપ લગાવ્યો છે પણ અહંકારી સરકાર કોણ છે તે બધા જાણે છે.દિલ્હી સીમા પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોમાંથી 200 ખેડૂતોના મોત થયા પછી પણ સરકાર નવા કૃષિ કાયદા પાછા લેવા માટે તૈયાર નથી.આ અહંકાર નથી?

શિવસેનાએ આરોપ મુક્યો છે કે, રાજ્યપાલ કઠપૂતળીની જેમ કામ કરી રહ્યા છે અને તેમન ભાજપની ધૂન પર નાચવાની ફરજ પાડવામાં આવી રહી છે.જો કેન્દ્ર સરકાર ઈચ્છતી હોય કે, સંવિધાન-કાયદા અને નિયમો યથાવત રહે તો સરકારે આ રાજ્યપાલને પાછા બોલાવી લેવા જોઈએ.

Share: