પીએમ મોદી સાથેની બેઠકમાં મમતા બેનરજી હાજર નહીં રહે, આ વાતના કારણે પડ્યો વાંધો

પીએમ મોદી સાથેની બેઠકમાં મમતા બેનરજી હાજર નહીં રહે, આ વાતના કારણે પડ્યો વાંધો

નવી દિલ્હી,તા.28 મે 2021,શુક્રવાર

યાસ વાવાઝોડાથી થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે આજે પીએમ મોદી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાના છે.

જોકે બંગાળના સીએમ મમતા બેનરજી અને પીએમ મોદી વચ્ચે થનારી બેઠકને લઈને ફરી મમતા બેનરજીને વાંધો પડ્યો છે. બંને વચ્ચે આજે નુકસાનને લઈને ચર્ચા કરવા માટે કલાઈ કુંડામાં બેઠક યોજાવાની હતી. જોકે આ બેઠકમાં ભાજપના વિરોધ પક્ષના નેતા શુવેન્દુ અધિકારી પણ હાજર રહેવાના હતા. તેની સામે મમતા બેનરજીને વાંધો પડ્યો છે. તેમણે હવે આ બેઠકમાં હાજર નહીં રહેવાનુ નક્કી કર્યુ છે. શુવેન્દુ અધિકારી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ છે.

ઉલ્લેખનીય છે કે, નંદીગ્રામ બેઠક પર મમતા બેનરજીને શુવેન્દુ અધિકારીએ હરાવ્યા હતા. હવે મમતા બેનરજીએ વિધાનસભાની પેટા ચૂંટણી લડવી પડશે. જોકે શુવેન્દુ અધિકારી બેઠકમાં હાજર રહે તે મમતા બેનરજીને પસંદ નથી આવ્યુ. તે બેઠક બાદ કલાઈકુંડામાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે અને રાજ્યને થયેલા નુકસાનની જાણકારી આપશે.

પીએમ મોદી આ બંને રાજ્યોમાં વાવાઝોડાએ વેરેલા વિનાશનુ હવાઈ સર્વેક્ષણ કરવાના છે. દરમિયાન મમતા બેનરજીનુ કહેવુ છે કે, રાજ્યમાં વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટેના વ્યસ્ત કાર્યક્રમના કારણે સમીક્ષા બેઠકમાં હું હાજર નહીં રહી શકું.

પીએમ મોદીએ આજે ઓરિસ્સામાં સીએમ નવીન પટનાયક સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી.

Share: