પીએમ મોદી આગામી મહિને પોર્ટુગલ અને ફ્રાંસના પ્રવાસે જાય તેવી સંભાવના

પીએમ મોદી આગામી મહિને પોર્ટુગલ અને ફ્રાંસના પ્રવાસે જાય તેવી સંભાવના

નવી દિલ્હી,તા. 20 એપ્રિલ 2021, મંગળવાર

દેશમાં કોરોના વાયરસના કારણે ભયાવહ સ્થિતિ છે. દેશમાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 20 લાખને પાર થઈ ગઈ છે. જેની વચ્ચે હવે એવી ખબર આવી છે કે, આગામી મહિને પીએમ મોદી પોર્ટુગલ અને ફ્રાંસના પ્રવાસે જઈ શકે છે. જોકે તેના પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.

આ મુદ્દે હજી સુધી વિદેશ મંત્રાલય તરફથી કોઈ નિર્ણય લેવાયો નથી અને કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી. જોકે સૂત્રોનુ કહેવુ છે કે, આ વિદેશ પ્રવાસ અંગેની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને વડાપ્રધાનના પ્રવાસ પહેલા પ્રોટોકોલ પ્રમાણે એડવાન્સ ટીમોએ જરુરી અભ્યાસ પણ કરી લીધો છે.

હાલમાં તો પીએમ મોદી કોરોનાના પ્રકોપને લઈને સબંધિત પક્ષો સાથે એક પછી એક બેઠક કરી રહ્યા છે. આમ તો 8 મેના રોજ પીએમ મોદીને પોર્ટુગલ જવાનુ છે અને ત્યાંથી તેઓ ફ્રાંસ પણ જઈ શકે છે. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે બેઠક કરે તેવી સંભાવના છે. પોર્ટુગલમાં યુરોપિયન યુનિયનની બેઠકમાં પીએમ મોદી ભાગ લઈ શકે છે.

જોકે દેશમાં કોરોનાની લહેર હાલમાં છે તેવી મે મહિનામાં પણ યથાવત રહે તો પીએમ મોદી આ પ્રવાસ રદ કરે તેવી પણ શક્યતાઓ છે.

Share: