પાડોશી દેશના લઘુમતી સમુદાયના લોકોને નાગરિકતા આપવાના સામે વધુ એક મુસ્લિમ સંગઠન સુપ્રીમમાં

પાડોશી દેશના લઘુમતી સમુદાયના લોકોને નાગરિકતા આપવાના સામે વધુ એક મુસ્લિમ સંગઠન સુપ્રીમમાં

નવી દિલ્હી,તા.10 જૂન 2021,ગુરૂવાર

ઈન્ડિયન મુસ્લિમ લીગ બાદ હવે વધુ એક મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરીને કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પાડોશી દેશના બિન મુસ્લિમ નાગરિકોને ભારતની નાગરિકતા આપવાના નિર્ણયને પડકાર્યો છે.

કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા તથા ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ,હરિયાણા, પંજાબના 13 જિલ્લાઓમાં રહેતા હિન્દુ, સિખ, જૈન અને બૌધ્ધ લોકોને ભારતીય નાગરિકતા આપવા માટે અરજીઓ મંગાવી છે. સરકારના આ નિર્ણયને પીએફઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને તેના પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.

કેન્દ્રના ગૃહ મંત્રાલયે 1955ના નાગરિકતા ના કાયદા અને 2009માં બનાવાયેલા કાયદા હેઠળ આ આદેશ આપ્યો છે. જોકે સરકારે 2019માં લાગુ કરાયેલા સિટિઝન એમેન્ડમેન્ટ એકટના નિયમોને હજી તૈયાર કર્યા નથી. નાગરિકતા સંશોધન કાયદા એટલે કે સીએએ હેઠળ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અત્યાચારનો શિકાર બનેલા અને 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારતમાં આવી ગયેલા લઘુમતી સમુદાયના લોકોને નાગરિતા આપવાની જોગવાઈ છે.

દરમિયાન ગૃહ મંત્રાલયે ઉપરોક્ત 13 જિલ્લામાં રહેતા ત્રણ દેશના બિન મુસલિમ નાગરિકોને નાગરિકતા આપવા માટેના નિર્ણય અંગે કહ્યુ હતુ કે, 1955માં બનેલા કાયદા હેઠળ કેન્દ્ર સરકારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અને બાંગ્લાદેશની લઘુમતીઓને ભારતીય નાગરિક તરીકે રજિસ્ટર કરવા માટે અને તેમને ભારતીય નાગરિક તરીકેનુ સર્ટિફિકેટ આપવાનો હુકમ કર્યો છે.

Share: