દેશમાં 28 દિવસમાં સૌથી ઓછા, કોરોનાના 2.6 લાખ કેસ આવ્યા સામે, 3719 લોકોના મોત

દેશમાં 28 દિવસમાં સૌથી ઓછા, કોરોનાના 2.6 લાખ કેસ આવ્યા સામે, 3719 લોકોના મોત


– સોમવારે ભારત અમેરિકા બાદ બીજો એવો દેશ બન્યો જ્યાં 2.5 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે

નવી દિલ્હી, તા. 18 મે, 2021, મંગળવાર

દેશમાં કોરોના સંક્રમણ મામલે થોડી રાહત મળી છે. સોમવારે સતત બીજા દિવસે સંક્રમણના 3 લાખ કરતા પણ ઓછા કેસ સામે આવ્યા છે. સાથે જ મૃતકઆંક પણ 4,000થી નીચે ઉતર્યો છે. સોમવારે દેશમાં છેલ્લા 28 દિવસના સૌથી ઓછા કેસ નોંધાયા હતા. 

સોમવારે દેશમાં કોરોનાના કુલ 2.6 લાખ કેસ સામે આવ્યા હતા અને 3,719 લોકોના મોત થયા હતા. આ સાથે જ સક્રિય કેસની સંખ્યામાં પણ 1.5 લાખનો ઘટાડો નોંધાયો હતો. જો કે, દેશમાં સક્રિય કેસ હજુ પણ 30 લાખથી વધારે જ છે. 

રવિવારે દેશમાં કુલ 2,81,386 નવા કેસ સામે આવ્યા હતા અને 4,106 લોકોના મોત થયા હતા. આંકડાકીય અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 2,11,74,076 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે અને દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 84.81 ટકા છે. કોવિડ-19ના કારણે મૃત્યુ દર 1.10 ટકા જેટલો છે. 

અમેરિકા બાદ ભારતમાં 2.5 કરોડ કેસ

દેશમાં સંક્રમણની સંખ્યા ભલે ઘટી હોય પરંતુ સોમવારે ભારત અમેરિકા બાદ બીજો એવો દેશ બન્યો જ્યાં 2.5 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. અમેરિકા અને ભારત બાદ બ્રાઝિલ ત્રીજા નંબરે છે જ્યાં આશરે 1.5 કરોડ લોકો સંક્રમિત થયા છે. 

મહારાષ્ટ્રથી રાહતના સમાચાર

કોરોનાને લઈ મહારાષ્ટ્રથી ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 26,616 લોકો સંક્રમિત થયા છે અને 516 લોકોના મોત થયા છે. આ દરમિયાન 48,211 લોકો સ્વસ્થ પણ થયા છે. 

Share: