ટૂલકિટ કેસ: દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલની મોટી કાર્યવાહી, ટ્વિટર ઇન્ડિયાની ઓફિસ પર દરોડા

ટૂલકિટ કેસ: દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલની મોટી કાર્યવાહી, ટ્વિટર ઇન્ડિયાની ઓફિસ પર દરોડા

નવી દિલ્હી, 24 મે 2021 સોમવાર

દેશમાં ટૂલકિટનો મુદ્દો સતત જોર પકડી રહ્યો છે. સોમવારે દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલે આ મામલે મોટી કાર્યવાહી કરી અને ટ્વિટર ઈન્ડિયાની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સ્પેશિયલ સેલની ટીમની આ કાર્યવાહી હજી પણ ચાલુ જ છે. સોમવારે સાંજે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમો ‘ટૂલકીટ’ કેસની તપાસ માટે દિલ્હી અને ગુરૂગ્રામની ટ્વિટર ઓફિસ પર પહોંચી ગઇ, દિલ્હી પોલીસનાં એક અધિકારીએ કહ્યું કે દિલ્હીમાં લાડો સરાય અને ગુરૂગ્રામ સ્થિત ટ્વિટર ઓફિસમાં કાર્યવાહી ચાલી રહી છે.

બીજી તરફ સૂત્રોનાં જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસની ટીમ નિયમિત પ્રક્રિયાના ભાગ રૂપે ટ્વિટરને નોટિસ આપવા માટે ટ્વિટર ઓફિસમાં ગઈ હતી. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહી કરવી જરૂરી હતી કારણ કે તે જાણવું હતું કે નોટિસ આપવા માટે યોગ્ય વ્યક્તિ કોણ છે, ટ્વિટર ઈન્ડિયાનાં એમડીના જવાબો ખૂબ જ અસ્પષ્ટ હતાં.

નોંધનીય છે કે આ પહેલા 21 મેના રોજ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ટૂલકીટ કેસમાં ટ્વિટર ઇન્ડિયાના વડા મનીષ મહેશ્વરીને નોટિસ મોકલી હતી અને સંબીત પાત્રા કેસમાં સ્પષ્ટતા આપવા કહ્યું હતું. દિલ્હી પોલીસનું કહેવું છે કે તે ફરિયાદ પર તપાસ કરી રહી છે, જેમાં ટ્વિટર પાસે સંબિત પાત્રાના ટ્વીટને મેનિપ્યુલેટેડ મિડીયા ગણાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે આ ટૂલકિટ વિવાદ ત્યારે વકર્યો હતો જ્યારે સંબિત પાત્રા દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસે એક ટૂલકીટ બનાવી છે જેના દ્વારા મોદી સરકારને બદનામ કરવાનાં પ્રયાસો થઈ રહ્યા છે.

Share: