જરનૈલ સિંહ ભિંડરાવાલેને 'શહીદ' ગણાવીને ફસાયો ભજ્જી, યુઝર્સે FIR નોંધાવવા કરી માંગ

જરનૈલ સિંહ ભિંડરાવાલેને 'શહીદ' ગણાવીને ફસાયો ભજ્જી, યુઝર્સે FIR નોંધાવવા કરી માંગ


– બીસીસીઆઈએ તાત્કાલિક આ મુદ્દે કાર્યવાહી કરવી જોઈએ અને હરભજન સિંહ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી જોઈએ તેવી માંગ

નવી દિલ્હી, તા. 07 જૂન, 2021, સોમવાર

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહ ફરી એક વખત પોતાના નિવેદનને લઈ ચર્ચામાં છે. તેમનું એક નિવેદન ટ્વીટર પર ખૂબ જ ટ્રોલ થઈ રહ્યું છે. હકીકતે તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઓપરેશન બ્લુ સ્ટારની 37મી વર્ષગાંઠ પર સુવર્ણ મંદિરની અંદર માર્યા ગયેલા જરનૈલ સિંહ ભિંડરાવાલેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમને શહીદ કહેવાનો સંકેત આપ્યો હતો. આ કારણે યુઝર્સે તેમની ટીકા કરવી શરૂ કરી દીધી હતી. જોકે તેમણે ભિંડરાવાલેનું નામ નહોતું લીધું

તેમણે ઈન્સ્ટાગ્રામ પર જરનૈલ સિંહની તસવીરને પ્રમુખતા સાથે બતાવી હતી જેથી લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા. લોકોએ ભજ્જી પોતાનું નિવેદન પાછું લઈ લે તેવી માંગણી પણ કરી હતી. એક યુવતીએ બીસીસીઆઈએ તાત્કાલિક આ મુદ્દે કાર્યવાહી કરવી જોઈએ અને હરભજન સિંહ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી જોઈએ તેવી માંગણી કરી હતી. 

તે સિવાય ભારત ભક્ત નામના એક યુઝરે લખ્યું હતું કે, મને સમજાતું નથી કે જ્યારે વર્લ્ડ કપમાં ભારતનો વિજય થયો હતો ત્યારે તમે તિરંગા માટે રડ્યા હતા અને આજે તમે એક એવી વ્યક્તિનું મહિમામંડન કરી રહ્યા છો જે દેશદ્રોહી હતો. તમે તમારૂં સ્વમાન ગુમાવી દીધું. તે સિવાય અન્ય કેટલાય યુઝર્સે ભજ્જી વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. જોકે હરભજન સિંહે હજુ સુધી આ મુદ્દે કોઈ સ્પષ્ટતા નથી કરી. પરંતુ લોકો તેમની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

1984માં થયું હતું ઓપરેશન બ્લુ સ્ટાર

પંજાબમાં કથળી રહેલા કાયદા અને વ્યવસ્થાને મજબૂત કરવા માટે તે સમયે દેશના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લુ સ્ટારનો નિર્દેશ આપ્યો હતો. 1984ની 1 જૂનથી 8 જૂન સુધી અમૃતસરના સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુ સ્ટાર ચાલ્યુ હતું. આ ઓપરેશનમાં જનરૈલ સિંહ ભિંડરાવાલાનું મોત થયું હતું. તે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલું એક મોટું મિશન હતું. 

Share: