છત્તીસગઢઃ કોરોના વેક્સીનેશનના સર્ટિફિકેટ પરથી પીએમ મોદીનો ફોટો હટાવી સીએમનો ફોટો લગાવાયો

છત્તીસગઢઃ કોરોના વેક્સીનેશનના સર્ટિફિકેટ પરથી પીએમ મોદીનો ફોટો હટાવી સીએમનો ફોટો લગાવાયો

છત્તીસગઢ,તા.23 મે 2021,રવિવાર

કોરોનાકાળમાં રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યુ છે. અત્યાર સુધી રસી લેનારા લોકોને આ માટે મળતા સર્ટિફિકેટ પર પીએમ મોદીનો ફોટો જોવા મળતો હતો.

હવે રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ ફોટો હટાવીને પોતાનો ફોટો લગાવવા માંડ્યો છે. ઝારખંડના સીએમ હેમત સોરેને આ પહેલ કરી હતી. એ પછી હવે છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલે પણ પીએમ મોદીની તસવીર હટાવીને તેની જગ્યાએ પોતાની તસવીર લગાવી છે.

આમ આ બંને રાજ્યમાં વેક્સીન લેનારા લોકોને જે સર્ટિફિકેટ અપાય છે તેના પર હવે પીએમ મોદીનો નહીં પણ જે તે સીએમનો ફોટો જોવા મળશે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આ રીતે સર્ટિફિકેટ આપવાનો સીલસીલો શરુ થયો છે. જેમાં બે રાજ્યો જોડાયા છે. છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટી એસ સિંહદેવના હવાલાથી આ અહેવાલમાં કહેવાયુ છે કે, આ નિર્ણયથી કોઈને વાંધો હોવો જોઈએ નહીં. જ્યાં સુધી રસી માટે કેન્દ્ર સરકાર ભંડોળ આપતી હતી ત્યાં સુધી સર્ટિફિકેટ પર પીએમનો ફોટો હતો અને હવે રાજ્ય સરકાર પોતે રસી માટે વ્યવસ્થા કરી રહી છે ત્યારે સર્ટિફિકેટ પર સીએમનો ફોટો હોવો વ્યાજબી વાત છે. જ્યારે રાજ્યો પર જ કેન્દ્ર સરકારે રસીકરણનો ભાર નાંખી દીધો છે ત્યારે સર્ટિફિકેટ પર પીએમનો ફોટાનો આગ્રહ રાખવો જોઈએ નહીં.

એવુ લાગે છે કે, ભાજપ શાસિત રાજ્યો સિવાયના બીજા રાજ્યો પણ છત્તીસગઢ અને ઝારખંડનુ આગામી દિવસોમાં અનુકરણ કરી શકે છે.

Share: