કૌભાંડી મેહુલ ચોક્સીને પાછો લાવવા ભારત સરકારે માંગી હરિશ સાલ્વેની સહાયતા

કૌભાંડી મેહુલ ચોક્સીને પાછો લાવવા ભારત સરકારે માંગી હરિશ સાલ્વેની સહાયતા

નવી દિલ્હી,તા.8 જૂન 2021,મંગળવાર

પંજાબ નેશનલ બેન્કના હજારો કરોડના લોન કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને ભારત પાછો લાવવા માટે હવે સરકારે વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેની સહાય લીધી છે. ડોમિનિકાની કોર્ટમાં હરિશ સાલ્વે ભારતનો કેસ લડે તેવી પણ શક્યતા છે.

મહેલુ ચોક્સીના મામલે સરકાર હરિશ સાલ્વે પાસે કાનૂની અડચણો અને કાયદાકીય દાવપેચને સમજી રહી છે. સૂત્રોનુ કહેવુ છે કે, ડોમિનિકાની કોર્ટમાં હરિશ સાલ્વે ભારતનો પક્ષ મુકે તેવી પણ શક્યતા છે. હાલમાં ચોક્સી સામે ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશવા અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

સોમવારે હરિશ સાલ્વેએ કહ્યુ હતુ કે, ભારત સરકાર સાથે મેહુલ ચોક્સીના મામલામાં વાતચીત ચાલી રહી છે. કેસ સાથેની જે જાણકારી છે તે સરકાર સાથે શેર કરવામાં આવી રહી છે.જોકે તેમણે કહ્યુ હતુ કે, ડોમિનિકાની કોર્ટમાં ભારત સરકાર કોઈ પક્ષકાર નથી પણ માત્ર ડોમિનિકા સરકાર અને પ્રશાસનની મદદ કરી રહ્યુ છે.

સાલ્વેએ કહ્યુ હતુ કે, ડોમિનિકાની કોર્ટમાં જો ભારતને સુનાવણીનો મોકો અપાશે અને ત્યાંના એટોર્ની જનરલ ત્યાંની કોર્ટમાં મને દલીલ કરવા માટે પરવાનગી આપશે તો હું ભારતનુ પ્રતિનિધિત્વ કરીશ. સાલ્વે માટે આંતરરાષ્ટ્રિય સ્તરે કેસ લડવાની નવી વાત નથી. આ પહેલા તેઓ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કુલભુષણ જાધવના કેસમાં પાકિસ્તાન સામે ભારતનુ પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.

મેહુલ ચોક્સી હાલમાં ડોમિનિકાની જેલમાં છે. ગયા મહિને ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. ડોમિનિકાની કોર્ટે મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી દીધી હતી. ચોક્સીના વકીલોએ હવે આ માટે હાઈકોર્ટમાં અપીલ કરી છે. આ પહેલા મેહુલ ચો્કસીએ આરોપ લગાવ્યો હતો કે, આઠ થી દસ લોકોએ મને માર માર્યો હતો અને હું બેહોશ થઈ ગયો હતો.

Share: