કોંગ્રેસ છોડનારા નેતાઓ આજે મુખ્યમંત્રી બની રહ્યા છે, શિવસેનાએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન

કોંગ્રેસ છોડનારા નેતાઓ આજે મુખ્યમંત્રી બની રહ્યા છે, શિવસેનાએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન

નવી દિલ્હી,તા.12 મે 2021,બુઘવાર

મહારાષ્ટ્રમાં સત્તામાં ભાગીદાર એવા શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ફરી ખટરાગ થયો છે. તાજેતરમાં કોંગ્રેસના મહારાષ્ટ્રના અધ્યક્ષ નાના સાહેબ પટોળેએ કહ્યુ હતુ કે, મેં શિવસેનાનુ અખબાર સામના વાંચવાનુ બંધ કરી દીધુ છે.

જેના પર હવે શિવસેનાએ સામનામાં જ એક લેખ લખીને જવાબ આપ્યો છે. આ લેખમાં કહેવાયુ છે કે, કોંગ્રેસના નેતાઓ સામના વાંચતા હોય કે ના વાંચતા હોય પણ સોનિયા ગાંધી સામના વાંચે છે. કારણકે સોનિયા ગાંધીએ સવાલ પૂછ્યો છે કે આસામ અને કેરાલામાં કેમ કોંગ્રેસ વર્તમાન સરકારોને ચૂંટણીમાં હરાવી શકી નહીં…આ જ સવાલ સામનામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો.

આ લેખમાં કહેવામાં આવ્યુ છે કે, કોંગ્રેસમાં નેતૃત્વની કમી છે અને આ માટે કોણ જવાબદાર છે તે વિચારવુ જોઈએ. પશ્ચિમ બંગાળના હાલના મુખ્યમંત્રી મમતા બેનરજી, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા અને પોંડીચેરીના મુખ્યમંત્રી એન રંગાસ્વામી કોંગ્રેસના જ પૂર્વ નેતાઓ છે. આ ત્રણે નેતાઓને કોંગ્રેસ છોડવી પડી હતી અને આજે તેઓ મજબૂત થઈને ઉભર્યા છે.

શિવસેનાએ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી ભાજપ સામે એકલા હાથે લડાઈ લડી રહ્યા છે. તેમની ગમે તેવા શબ્દોમાં ટીકા થતી હોય છે પણ તેઓ મક્કમતાપૂર્વક પોતાની વાત રજૂ કરે છે. રાહુલ ગાંધી કોંગ્રેસના સેનાપતિ છે અને તેઓ સચોટ અને યોગ્ય મુદ્દા પર સરકારની ટીકા કરે છે. આ સમયે તમામ વિપક્ષી પાર્ટીઓએ ટ્વિટર છોડીને જમીન પર આવવાની જરુર છે.

Share: