આવતીકાલથી અમદાવાદમાં AMTS અને BRTS સેવા બંધ, કોરોના કેસ વધતા AMCનો નિર્ણય

આવતીકાલથી અમદાવાદમાં AMTS અને BRTS સેવા બંધ, કોરોના કેસ વધતા AMCનો નિર્ણય

અમદાવાદ, તા. 17 માર્ચ 2021, બુધવાર

ગયા વર્ષની માફક આ વર્ષે પણ માર્ચ મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. નિષ્ણાંતોના મત દેશમાં કોરોના વાયરસની બીજી લહેર શરુ થઇ છે. જેમાંથી ગુજરાત રાજ્ય કે અમદાવાદ પણ બાકાત નથી. રાજ્યમાં કોરોના કેસ વધતા ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. આ સિવાય પણ અન્ય પ્રતિબંધો લાગુ થયા છે. 

ત્યારે આ બધા વચ્ચે કોરોનાના વધતા કેસને ધ્યાને લઇને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે. આવતીકાલથી અમદાવાદમાં AMTS અને BRTS સેવા બંધ કરાવામાં આવી છે. જ્યાં સુધી આગામી સુચના ના મળે ત્યાં સુધી AMTS અને BRTS બસો બંધ રહેશે. ટલે કે આવતી કાલે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ખાસ કરીને નોકરીએ જવા માટે AMTS અને BRTS બસોનો ઉપયોગ કરતા લોકો તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. શહેરના લાખો લોકો દરરોજ AMTS અને BRTS બસોનો ઉપયોગ કરે છે. ત્યારે હેવે આવતીકાલથી તેમને હેરાન થવું પડશે. ગુજરાત અને અમદાવાદમાં જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તેને ધ્યાને રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

આ સાથે જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ગેમઝોન, સ્પોર્ટ્સ ક્લબ અને જિમને પણ અનિશ્ચિતકાળ માટે બંધ કરાવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બધા જ નિર્ણયો ધીમે ધીમે ગયા વર્ષની માફક જ આગળ વધી રહ્યા છે. એટલે કે લોકોમાં ફરીથી લોકડાઉન લાગુ થવાનો ડર છે.

Share: