આનંદો! રાજ્ય સરકારે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ, વોટરપાર્ક્સ ઉદ્યોગ માટે કરી આ જાહેરાત

આનંદો! રાજ્ય સરકારે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ, વોટરપાર્ક્સ ઉદ્યોગ માટે કરી આ જાહેરાત

ગાંધીનગર, 7 જુન 2021 સોમવાર

કોરોના રોગચાળાનાં કારણે વિવિધ ઉદ્યોગ-ધંધાને જોરદાર ફટકો પડ્યો છે, જો કે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ, અને વોટરપાર્ક્સ ઉદ્યોગને સૌથી વધુ નુકસાન થયું છે, હવે રાજ્ય સરકારે એક મહત્વપુર્ણ પહેલ કરીને હોટલ,રીસોર્ટસ,રેસ્ટોરન્ટ અને વોટર પાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ગાંધીનગર ખાતે યોજાયેલી કોર કમિટીમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણોને કારણે ધંધા રોજગારમાં પડેલા ફટકાને કારણે સરકારે આંશિક રાહત આપતો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાતનાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ, અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત અપાઈ છે.  જે મુજબ રાજ્યમાં પહેલી એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષનાં સમયગાળા માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. 

તે ઉપરાંત કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ , રીસોર્ટ્સ , રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને વીજબીલમાં ફિક્સ ચાર્જમાંથી પણ મુક્તિ આપવામાં આવશે. અને ખરેખર જે વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલની આકારણી કરીને ચાર્જ વસૂલ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી હોટલ , રીસોર્ટસ , રેસ્ટોરન્ટ અને વોટર પાર્કના સંચાલકો અને માલિકોએ આનંદની લાગણી અનુભવી છે.

Share: