અદાણી જૂથમાં રોકાણ કરનારા 3 વિદેશી ફંડના એકાઉન્ટ ફ્રીઝ, શેરમાં કડાકો

અદાણી જૂથમાં રોકાણ કરનારા 3 વિદેશી ફંડના એકાઉન્ટ ફ્રીઝ, શેરમાં કડાકો


– આ ફંડોએ અદાણી ગ્રુપની કંપનીઓમાં 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે

નવી દિલ્હી, તા. 14 જૂન, 2021, સોમવાર

નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ (NSDL)એ 3 વિદેશી ફંડના એકાઉન્ટ પર રોક લગાવી દીધી છે. આ ફંડોએ અદાણી ગ્રુપની કંપનીઓમાં 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. આ કારણે અદાણી જૂથની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો આવ્યો છે. NSDLએ Albula ઈન્વેસ્ટમેન્ટ ફંડ, Cresta ફંડ અને  APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડના એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. ડિપોઝિટરીની વેબસાઈટ પ્રમાણે આ એકાઉન્ટ 31 મે અથવા તેના પહેલા જ ફ્રીઝ કરવામાં આવેલા છે. 

તમામ લિસ્ટેડ કંપનીઓના શેર તૂટ્યા

આ સમાચારના કારણે અદાણી જૂથના શેરમાં આજે કડાકો બોલ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેર 15 ટકા તૂટીને 1361.25 રૂપિયાએ પહોંચી ગયા છે. અદાણી પોર્ટ્સ એન્ડ ઈકોનોમિક ઝોનમાં 14 ટકા, અદાણી પાવરમાં 5 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 5 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 5 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5 ટકાનો કડાકો બોલ્યો છે. 

જોકે હજુ સુધી અદાણી જૂથે આ મામલે કોઈ નિવેદન નથી આપ્યું. આ ત્રણેય ફંડ મોરેશિયસના છે અને સેબીમાં તેમને વિદેશી પોર્ટફોલિયો નિવેશક (FPIs) તરીકે રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. ત્રણેય સંયુક્ત રૂપે અદાણી એન્ટરપ્રાઈઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકાનું રોકાણ ધરાવે છે. 

કાર્યવાહીનું કારણ

એક અહેવાલ પ્રમાણે ઓનરશિપ અંગે પૂરતી જાણકારી ન આપવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. એકાઉન્ટ ફ્રીઝ થવાનો અર્થ એવો થાય કે આ ફંડ હવે પોતાના ખાતામાં રહેલા શેર વેચી પણ નહીં શકે અને નવા શેર ખરીદી પણ નહીં શકે. 

વિદેશી રોકાણકારોને હેન્ડલ કરનારી ડિપોઝિટરીએ જણાવ્યું કે, PMLA અંતર્ગત આ એકાઉન્ટ દ્વારા ફાયદો ઉઠાવનારની માલિકી અંગે પૂરતી જાણકારી ન આપવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે કસ્ટોડિયન આવી કાર્યવાહી પહેલા પોતાના ગ્રાહકોને નોટિસ પાઠવે છે પરંતુ ફંડ પાસેથી કોઈ જવાબ ન મળવા પર એકાઉન્ટ ફ્રીઝ કરવા જેવી આકરી કાર્યવાહી કરવામાં આવે છે. 

Share: